Friday, December 17, 2010

જે ગુજરાતમાં છે તે બધે છે

ગુજરાતની સ્વર્ણિમ જયંતી ઉજવાઈ રહી છે.આ સમયે ગુજરાતના અને ગુજરાતના અલગ રાજ્ય માટે લડનાર નેતાઓનું સ્મરણ થવું સ્વાભાવિક છે.

આમાં ગુજરાતના અને ભારતની સ્વતંત્રતા માટે લડનાર મોહનદાસ કરમચંદ ગાંધી ઉપાખ્યે ગાંધીજીનું નામ પહેલું યાદ આવે. ગાંધીજી બાદના ક્રમે સરદાર વલ્લભભાઈ પટેલ છે. જો સરદાર ન હોત તો? તો કદાચ ભારતના ટુકડેટુકડા જ હોત. અલગ -અલગ રજવાડાઓને એકત્ર કરવાનું કાર્ય ભગીરથ રાજાએ ગંગાને પૃથ્વી પર લાવી તેના કરતાં ઓછું કપરું નહોતું. જો ભારતના સદ્ભાગ્ય હોત તો તેઓ ભારતના પહેલા વડા પ્રધાન બન્યા હોત અને તો કદાચ ભારતનો નકશો અને વિકાસ કંઈક અલગ જ હોત.

ઠીક. સરદારની તદ્દન સામેની પ્રકૃતિના નેતા એટલે મોહમ્મદ અલી ઝીણા. ઝીણાએ ભારતના ભાગલા પડાવ્યા, તે પણ લોકોની લાશ પર. કૉંગ્રેસના બદલે બિનકૉંગ્રેસી શાસન લાવનાર મોરારજી દેસાઈ પણ ગુજરાતી. વળી, મોરારજી તો અલગ ગુજરાત રાજ્યની વિરુદ્ધ હતા! એ વખતે તેમની કંઈક અલગ વિચારસરણી રહી હશે.

અત્યારે કેન્દ્રમાં જેમનો મજબૂત સિક્કો પડે છે તે, કૉંગ્રેસના અહેમદ પટેલ પણ ગુજરાતી જ છે ને અને રાષ્ટ્રીય ભાજપમાં મજબૂત અવાજ ધરાવતા નરેન્દ્ર મોદી ગુજરાતી છે તે કહેવાની જરૂર નથી.

ટૂંકમાં, મહાભારત વિશે જેમ કહેવાય છે તે ગુજરાત વિશે પણ કહી શકાય. મહાભારતમાં જે છે તે આખા વિશ્વમાં છે અને તેમાં નથી તે ક્યાંય નથી. ગુજરાતની ભૂમિ પર નાયકો પણ પાક્યા છે અને ઝીણા જેવા ખલનાયકોય.

No comments:

Post a Comment